You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
હાસ્યવિનોદના લેખોનો મારો આ બીજો (વસ્તુત: અઢીમો!) સંગ્રહ પ્રગટ થવાના ટાણે ભૂતકાળમાં થોડું ડોકિયું કરવાનું મન થાય છે.
ટબોરા (ટાંઝાનિયા) માં સરકારી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકેના વ્યવસાયના બાવીસ-ત્રેવીસ વરસના સુદીર્ધ વસવાટ દરમિયાન ૧૯૬૧થી ૧૯૭પના દોઢેક દાયકામાં મેં હળવા લેખ લખવા શરૂ કરેલા. નાઈરોબીસ્થિત ગુજરાતી સાપ્તાહિક આફ્રિકા સમાચાર'માં અવારનવાર પ્રગટ થતા એ લેખો “વિનોદિકા' રૂપે ગ્રંથસ્થ થયા પછી પૂર્વ આફ્રિકી દેશોની સ્વાતંત્ર્યપ્રાપ્તિ સાથે બહુ ઝડપથી શરૂ થયેલા આફ્રિકીકરણમાં ગુજરાતી છાપાં, ગુજરાતી ભાષા, ગુજરાતી શિક્ષણ ને સાહિત્ય બધું લુપ્ત થવા લાગ્યું. અને મારી કલમ પણ એના સપાટામાં આવી ગઈ! કલમ કબાટમાં મુકાઈ ગઈ. લખી લખીને નાખવું ક્યાં – સોરી, છપાવવું ક્યાં?
એટલે ૧૯૮૨માં ટાંઝાનિયાની સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઈ એક ખાનગી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકેના વ્યવસાયાર્થે હું કિસ્મુ (કેનિયા) ગયો. તે સાથે કલમ પણ હંગામી નિવૃત્તિ પર ઊતરી ગઈ. કિસુમુનિવાસ દરમિયાન વાર્તા-વિનોદ-પ્રવાસની ત્રિવેણી જેવા મારા પુસ્તક “બીલીપત્રમાં આવેલા હાસ્યવિનોદના દસેક જેટલા લેખોની અલ્પ સંખ્યા અભરાઈ પર ચડી ગયેલી મારી કલમનો અપરોક્ષ પુરાવો છે.
પછી ૧૯૮૯માં કિસમુથી નિવૃત્ત થઈ હું કાયમ માટે લંડન આવ્યો. નાચવા માટે આંગણું શોધતા નર્તકની માફક વ્યક્ત થવા વલખાં મારતી મારી કલમને લઈને હું ગુજરાત સમાચાર' સાપ્તાહિકના તંત્રી શ્રી. સી. બી. પટેલ અને સહતંત્રી શ્રીમતી કોકિલાબેન પટેલને મળ્યો. “જલ્દી કલમ ચલાવો!” એમ કહેતાકને કોકિલાબેને તો આ સંગ્રહના પહેલા લેખ “એક ખુલ્લો પત્ર' માટે મસાલો પણ હાથમાં થામી દીધો. સી. બી. એ સંમતિની મહોર મારી ને એ ખુલ્લા પત્રે પહેલે જ ધડાકે એવી પ્રસિદ્ધિ અપાવી કે વર્ષોથી સૂતેલી કલમ આળસ મરડીને બેઠી થઈ ગઈ.
અને પછી તો શ્રાવણનાં સરવરિયા જેવી હાસ્યવિનોદની મારી કટાર ‘ઝરમર ઝરમર' એમના સાપ્તાહિકમાં શરૂ થઈ ગઈ.
નિવૃત્તિકાળમાં મનગમતું સાહિત્યસર્જનનું સ-રસ કામ હાથ લાગતાં, ઇંગ્લેન્ડના શિયાળાની સિલી” વેધરમાં શું કરીશું, વખત કેમ વિતાવીશું એવી જે કાંઈ ચિંતા હતી તે અદશ્ય થઈ ગઈ, ને થનગનતી કલમને મનગમતી પ્રવૃત્તિ મળી ગઈ.
હાસ્યવિનોદની આ કટાર લોકોને કેવીક ગમશે એવી બીક હતી. પરંતુ ગુજરાત સમાચાર'ના કદરદાન વાચકવર્ગે એ કટારને એવો પ્રેમ આપ્યો કે આજદિન સુધી એ ચાલુ રહી છે.
વળી શ્રી સી.બી. અને ગુજરાત સમાચાર - પરિવારે મને હંમેશાં ખૂબ પ્યારમમતાથી પ્રોત્સાહિત રાખી આ કટાર ચાલુ રખાવી છે. વચમાં થોડો વખત પેલા કોકીબહેન' ગુજરાત સમાચારથી રિસાઈ ગયાં ત્યારે નિયુક્ત થયેલાં નવાં મૅનેજિંગ એડિટર શ્રીમતી જ્યોત્નાબહેન શાહ પણ મારું પડીકું (લેખ) ના પહોંચ્યું હોય તો ફોન પર ઘંટડી મારી યાદ આપ્યા વગર રહે નહીં.
એ સૌનો હું ખૂબ જ આભારી છું. વસ્તુત: તો એમના આભારનો ભાર ઉતારવા મારી પાસે યોગ્ય શબ્દો પણ નથી!
વળી આ ઝરમર ઝરમર' ગ્રંથસ્થ થવાના ટાણે અત્યંત પ્યારમમતાથી પ્રાસ્તાવિક (“વરસ્યા અનરાધાર') લખી આપનાર – વસ્તુતઃ તો મારી આ હાસ્યવિનોદાત્મક સાહિત્યપ્રવૃત્તિની એક રીતે રસદર્શનાત્મક વિવેચના કરી આપવા બદલ સંનિષ્ઠ ભાષાશાસ્ત્રી ને મારા સાહિત્યમિત્ર પ્રોફેસર ડૉ. જગદીશ દવેનો હું ખૂબ, ખૂબ, ખૂબ આભારી છું. એમણે આ ગ્રંથની પ્રાસ્તાવિક લખી આપીને મારા નિરલંકાર ગ્રંથને સાલંકત કર્યો છે એમ કહું તો વિશેષ યોગ્ય લેખાશે.
અંતમાં, હાસ્યવિનોદની આ ઝરમર ઝરમર' માં તમે બધાં વાચકો કેટલાં ભિંજાશો એ તો ભગવાન જાણે! પણ કોરાં ના રહો તો કાગળ જરૂર લખજો.
પોપટલાલ પંચાલ.
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book ઝરમર ઝરમર.