You can access the distribution details by navigating to My Print Books(POD) > Distribution
મનુષ્યનું જીવન એક સંગ્રામ જેવું છે. એમાં આવતી અનેકવિધ આધિ, વ્યાધિ, ઉપાધિ, સંકટો, મુશ્કેલીઓ, આપત્તિઓ, મૂંઝવણો સામે ઝઝૂમતા રહેવાનું છે-રહેવું પડે છે. રણક્ષેત્રમાં જેમ અર્જુન વિવશ, વ્યાકુળ થયો હતો, ભાંગી પડ્યો હતો, તેવી જ રીતે સૌ મનુષ્યો આપત્તિના કાળમાં, મૂંઝવણના સમયમાં કિંકર્તવ્યમૂઢ બની જાય છે. પરંતુ વિવશતા-વ્યાકુળતા-કિંકર્તવ્યમૂઢતામાંથી બહાર આવી પરિસ્થિતિનો ઉકેલ તો લાવવો જ પડે છે. મનુષ્ય પોતાની જાતમાં, પોતાના પ્રયત્નમાં, પોતાના ધ્યેયમાં, પોતાના ગન્તવ્ય સ્થાનમાં જો નિશ્ચળ ને નિશ્ચયી હોય તો તે અવશ્ય પરિસ્થિતિનો ઉકેલ પ્રાપ્ત કરી શકે છે, તેનામાં એક પ્રકારની આત્મપ્રતીતિ આવે છે, જેનાથી તે સારાસારને સમજીને-ઓળખીને તેના સ્વીકાર-પરિહારનો નિર્ણય કરી આગળ વધવા પ્રવૃત્ત બને છે.
મારી પાસે તો શ્રધ્ધા અને શરણાગતિના બે રાજમાર્ગો છે. મનુષ્ય પોતાના ભૌતિક કે આધ્યાત્મિક ઉભય જીવનમાં આ બે રાજમાર્ગને અપનાવે તો ચોક્કસ સુખ, સંતોષ ને આનંદ પ્રાપ્ત કરી શકે છે. જીવનની ભૌતિક કે આધ્યાત્મિક કોઈ પણ બાબતમાં શ્રધ્ધાપૂર્વક પ્રયત્ન કરીશું, તે અંગે વિચારીશું તો અવશ્ય માર્ગ મળશે, શાંતિ મળશે, સ્વસ્થતા રહેશે.
હું તો એટલે સુધી કહીશ કે જેમણે શ્રધ્ધા ને શરણાગતિના રાજમાર્ગો અપનાવ્યા છે તેમને માટે ભૌતિક કે આધ્યાત્મિક એવા જુદા ચોકા શા માટે ? તેવાનું જીવન સ્વયં એક સાધના-તપસ્યા કે ઉપાસના જેવું બની જાય છે. મનુષ્યની તમામ સ્થૂળ-સૂક્ષમ પ્રવૃત્તિઓમાં શ્રધ્ધા, સાત્વિકતા ને પવિત્રતા હોય તો તે એક આધ્યાત્મિક વ્યાયામ જ બની જાય છે. કહેવાનું તાત્પર્ય કે આપણને આપણી તમામ પ્રવૃત્તિમાં શ્રધ્ધા હોવી જોઈએ. શ્રધ્ધા વિનાનું જીવન નકામું છે.
આપણે આપણી વૃત્તિ ને પ્રવૃત્તિને સાત્વિક બનાવીએ, અસ્તિત્વને
પવિત્ર બનાવીએ તો એમાંથી શ્રધ્ધાના સૂર આપોઆપ રણઝણી ઊઠશે. જીવનના પ્રત્યેક સોપાન પર પરમતત્વના સાન્નિધ્યની પ્રતીતિ રાખીએ. જીવનનું નાનું મોટું કેઈપણ કાર્ય, પ્રવૃત્તિ એ ઈષ્ટની ભક્તિ ને સેવા કાજે જ છે તેવી પ્રતીતિ કેળવીએ. શ્રધ્ધા સંપાદન કરીએ. શ્રધ્ધા પરમતત્વ જેવી સનાતન, સર્વવ્યાપક, ગહન ને અનુભવગમ્ય છે. જેટલી શ્રધ્ધા તેટલી સફળતા. સફળતા મેળવવી હોય તો શ્રધ્ધા સેવવી જરૂરી છે.
શ્રધ્ધાપૂર્વક ઉપાસનામય જીવન જીવતાં ભૌતિક-આધ્યાત્મિક જે કોઈ પ્રશ્નો ઉદભવી શકે તેના માર્ગદર્શન માટે આ પુસ્તકમાં વિષયો સમાવ્યા છે.
શ્રધ્ધાનાં વિવિધ પરિણામ ને પરિમાણ અનુભવ્યા પછી આ પુરતકને ‘શ્રધ્ધા’ના નામથી ઓળખાવવા પ્રેરાયો છું.
તમે સૌ પણ શ્રધ્ધા ને શરણાગતિ વડે માતાજીની-પરમતત્વની અઢળક કૃપા મેળવો તેવી મારી શુભેચ્છા ને આશિષ છે.
નરેન્દ્ર બી. દવે – શાસ્ત્રીજી
Currently there are no reviews available for this book.
Be the first one to write a review for the book Shraddha.